પરફેક્ટ માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

દીકરી ઘરની દીવડી નિબંધ

દીકરી ઘરની દીવડી નિબંધ

Dikari Ghar ni Divdi Essay in Gujarati PDF : અહીં દીકરી ઘરની દીવડી નિબંધ આપવામાં આવ્યો છે. આ શીર્ષક નો નિબંધ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પ્રથમવાર પુછાયો. ત્યારથી શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા આ નિબંધને દર વર્ષે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8 અને 9 ના વિધાર્થીઓને પણ દીકરી ઘરની દીવડી નિબંધ ઉપયોગી થશે.

દીકરી ઘરની દીવડી નિબંધ ગુજરાતી STD 12

દીકરી એટલે પ્રેમ, દયા, કરૂણામયી, વાત્સલ્યની મૂર્તિ, દિકરીમાં જન્મથી ભગવાને મમતા, કરૂણા છલોછલ ભરીને આપી છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર ઘણું પુણ્યશાળી કહેવાય. ભગવાને દિકરીને પૃથ્વી પર મોકલીને પોતાનું કામ સરળ કર્યુ. દિકરી પોતાના જીવન – કાળ દરમ્યાન ઘણી બઘી ભૂમિકા ભજવે છે. મા, દિકરી, કાકી, મામી, ફોઇ આમ અનેક ભૂમિકા એક દિકરી સારી રીતે નિભાવે છે. એ પોતાનું સર્વસ્વ ભૂલીને બીજા સાથે ભળી જાય છે. એ ત્યાગની મૂર્તિ છે. દિકરી જેટલો ત્યાગ કરે છે, તેટલો ત્યાગ બીજુ કોઇ કરી રીકતુ નથી.

પ્રાચીન સમયમાં દિકરી માટે શબ્દો વપરાતા કે દિકરી એ તો સાપનો ભારો, દિકરી પારકી થાપણ, દિકરી ઘરનો બોજો, દિકરીને પહેલાંના સમયમાં દુધપીતી કરવાનો રિવાજ હતો. દિકરી જન્મે એટલે એને દુધ ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી . દિકરીને આજના સમયમાં જે માન – સંમ્માન મળે છે . તે પહેલાના સમયમાં મળતુ ન હતુ. દિકરીને શિક્ષણનો અધિકાર ન હતો . હરવા – ફરવા પર પાબંઘી હતી. દિકરી એ ઘરનું આખુ કામ કરે છે. દિકરએ ઘણા બધા નિતી – નિયમો પાળવા પડે છે.

“દિકરી ને ગાય દોરે ત્યાં જાય” 

સંસ્કૃતમાં દિકરી માટે દોહિત્રી શબ્દ વપરાયો છે. દોહિત્રી એટલે ગાયને દોહનારી. જે ઘરમાં દિકરી હોય તે ઘરની દિકરી જ ગાયનું દુઘ કાઢે છે. દિકરીએ આખા ઘરની રોનક છે. ઘરમાં દિકરી જ એવી વ્યકિત છે ઘરના બધા સભ્યોનું કહયુ માને છે. માતા – પિતા જેમ કહે તેમ કરે છે. સૌથી વઘારે લાડકવાઇ દિકરી પિતાની હોય છે . દિકરીને ગાય સાથે સરખાવવામાં આવી છે. ગાય જેમ આપણે દોરીને લઇ જઇએ તેમ દિકરી પણ માતા – પિતા જયાં કહે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. દિકરી ગાયની જેમ ડાહી મમતામયી હોય છે. 

જે ઘરમાં દિકરીનો જન્મ થાય તે ઘર નસીબવાળુ હોય છે. ભગવાન નસીબવાળા ઘરે દિકરીને જન્મ આપે છે. દિકરીના જન્મથી ઉત્સવ મનાવવો જોઇએ . દિકરી આખા ઘરમાં રમતી, કુદતી, કિલ્લોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે . દિકરી વિના ઘર સુનુ લાગે છે. દિકરી એ પિતાની લાડકવાયી હોય છે. અને દિકરો એ માતાનો લાડકવાયો હોય છે. 

દિકરીના જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે. નાનપણથી જ સૌથી વધારે દિકરીની કાળજી પિતા લે છે . દિકરી પણ પિતાની સૌથી વધારે કાળજી લે છે. પિતા દિકરી જેમ કહે તેમ કરે છે. દિકરી જયારે બીમાર પડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે. દિકરી જયારે સાસરે જાય ત્યારે સૌથી વધુ દૂ:ખ પિતાને થાય છે . દિકરી પણ દુ:ખી હદયે સાસરે જાય છે. પણ એ સાસરે કે માતા – પિતાને ભૂલી જતી નથી. એ પહેલાં જેટલો જ પ્રેમ બધાને કરે છે. 

જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ઘર નથી. દિકરી એ ‘મા’ નું પ્રતિબિંઘ છે. હંમેશા મા દિકરીમાં પોતાની ઝાંખી જોતી હોય છે . દિકરી મા ને બધા કામમાં મદદ કરે છે. દિકરી મા ની બહેનપણી કહેવાય છે. દરેક વાત મા-દિકરી એક- બીજાને કરે છે. માતા-પિતાને દિકરી જન્મે ત્યારથી ખબર છે કે દિકરી મોટી થઇ સાસરે જવાની છે. એ તો પારકા ઘરની થાપણ છે . તો પણ મા – પિતા દિકરીને કાળજાના કટકાની જેમ ઉછેરે છે. દિકરીને ભણાવી ગણાવી પગભર કરે છે. એને ધામધુમથી સાસરે વળાવે છે.

જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઝાંઝરનો અવાજ સંભળાય 

જેમના ઘરે દીકરી હોય, તેમના જ ઘરે, ઘરના આંગણે રંગોળી કરેલી દેખાય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે નિબંધ 

Dikari Ghar ni Divdi Essay in Gujarati STD 10

પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને ‘સાપનો ભારો’, ‘પારકી થાપણ’, ‘માથાનો બોજ’ વગેરે માનવામાં આવે છે. આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરદીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે.

એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે પણ દીકરી તો આજીવન માતા – પિતાની જ રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઊજાળે છે. સમાજના વિકાસની પારાશીશી, જે – તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે. દીકરી, પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી ‘વહાલનો દરિયો’ છે.
‘બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા’ એવી કહેવત છે પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે ‘દુહિતા’ શબ્દ છે. ‘દુહિતા’ એટલે ગાય દોહનારી. પ્રાચીનકાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી. તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરનાં મોટા ભાગનાં કામો કરતી રહી છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે.

તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે. પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા – પિતા બંનેને મદદરૂપ થાય છે.

અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી ભ્રૂણહત્યાનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે.

જે સમસ્યા છે એ જ એનો ઉપાય છે. જો સ્ત્રી – ભ્રૂણહત્યા રોકવામાં આવે, તો સ્ત્રી – પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય! અર્થાત્ તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે.

સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર.

નિબંધ 3 – દીકરી ઘરની દીવડી ધોરણ 8 – 9 માટે

દીકરી એટલે વહાલનો દરિયો. દીકરી એટલે ઘરની લક્ષ્મી. દીકરી એટલે મમતાની મૂરત. દીકરી સૌને ખૂબ વહાલી હોય છે. કુદરતે તેનામાં સ્વાભાવિક આકર્ષણ મૂક્યું હોય છે. તેનો મધુર કંઠ, તેની મીઠી કાલી ભાષા, તેનું નિર્મળ નિખાલસ હાસ્ય સૌને આકર્ષિત કરે છે. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમે છે. તેને ઢીંગલી ખૂબ ગમતી હોય છે. તે ઢીંગલીને નવડાવે, કપડાં પહેરાવે, શણગારે, તેની સાથે વાતો કરે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ હોય છે. મોટી થતાં તે માને ઘરકામમાં મદદ પણ કરે છે.

દીકરી શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓમાં હોંશે હોંશે ભાગ લે. સંગીત, નૃત્ય, ગરબામાં તેને વિશેષ રસ હોય છે. માબાપ દીકરીની ઇચ્છાઓ પૂરી કરે છે. તેને ભણવામાં પ્રોત્સાહન આપે છે. તે ભણી શકે તેટલું ભણાવે છે. પોતે તકલીફો વેઠીને પણ તેની ઇચ્છાઓ પૂરી કરે છે.

એક સમય હતો જ્યારે દીકરીનો જન્મ થતાં જ તેને દૂધ પીતી કરવામાં આવતી. દીકરીને ઘરની બહાર જવા દેવામાં આવતી નહોતી. તેને ભણાવવામાં આવતી નહોતી. તેને નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી. દીકરીને દહેજ આપવું પડતું.

હવે સમય બદલાયો છે. સમાજના લોકો સમજદાર થયા છે. દહેજ માગવું, આપવું, લેવું પાપ ગણાય છે, વળી ગુનો પણ બને છે. દીકરીઓ ભણીગણીને તૈયાર થઈને ઊંચી નોકરીઓ કરે છે. શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે છે. દીકરી નીડર બની છે, પુરુષ સમોવડી બની છે.

‘ડાહી દીકરી સાસરે શોભે’. ઉંમરલાયક થતાં દીકરીને પરણાવવામાં આવે છે. દીકરી બાપની ખૂબ લાડકી હોય છે. કન્યાવિદાયવેળાએ બાપની આંખમાં આંસુ આવે છે. તે ભાંગી પડે છે. કહેવાય છે કે સંસ્કારી દીકરો એક કુળ તારે, જ્યારે સંસ્કારી દીકરી બે કુળ તારે. તે સૌનો પ્રેમ જીતીને પિયરમાં માબાપની આબરૂ વધારે છે અને સાસરિયામાં સૌને પોતાનાં કરે છે.

દીકરી, ઘરની દીવડી જ્યાં હોય ત્યાં ઉલ્લાસ અને ઉમંગનું અજવાળું ફેલાવે છે.

દીકરી ઘરની દીવડી નિબંધ pdf

Download